/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-170.jpg)
એક તરફ મંત્રી રવિવારે આરટીઓ શરૂ કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે, બીજી તરફ રાજકોટ આરટીઓ નિયત સમય કરતા પોણો કલાક મોડી શરૂ થતા પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૬મી સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વાહન ચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ભારે દંડ પણ થઈ રહ્યો છે. સામાન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ લોકોને ૫૦૦ રૂપિયાનો દંડ થઈ રહ્યો છે. પરંતુ નવા ટ્રાફિક નિયમોમાં હવે લોકોને વધુ ૧૫ દિવસની મુદ્દત આપવામાં આવી છે. ત્યારે, રાજકોટની આરટીઓ કચેરીમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
એક તરફ રાજ્ય સરકારના મંત્રી આર. સી. ફળદુ પત્રકાર પરિષદ યોજીને રવિવારે પણ આરટીઓ કચેરીમાં કામગીરી ચાલુ રહે તેવી વાત કરી રહ્યા છે. તો બીજી તરફ સામાન્ય દિવસોમાં પણ આરટીઓ કચેરીનો સ્ટાફ સમયસર કામ ન કરતો હોવાનું સામે આવ્યું છે. નિયત સમય કરતાં પોણોથી એક કલાક મોડા આવી રહ્યા છે સરકારી બાબુઓ. જેના કારણે આરટીઓ કચેરી ખાતે કામકાજ અર્થે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.