શત્રુઘ્નસિંહા રાજકોટમાં, કહ્યું 'અનામત મુદ્દે સરકારે પાટીદારો સાથે વાત કરવી જોઈએ'

New Update
શત્રુઘ્નસિંહા રાજકોટમાં, કહ્યું 'અનામત મુદ્દે સરકારે પાટીદારો સાથે વાત કરવી જોઈએ'

યશવંતસિંહા અને ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા પાટીદારોની સભામાં ખાસ હાજર રહ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવીને એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરી રહ્યા હતા. તેવામાં પાટીદાર સમાજ જૂનાગઢમાં એકઠો થયો હતો. જૂનાગઢ નજીકના વંથલી ગામે આવેલ મેંગો માર્કેટ ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે હાર્દિક પટેલની સભા યોજાઇ હતી. જેમાં યશવંતસિંહા અને ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા પણ ખાસ હાજર રહ્યા હતા. આજે હાર્દિક પટેલ અને શત્રુઘ્નસિંહાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં શત્રુઘ્નસિંહાએ જણાવ્યું હતું કે, હજુ સુધી હું ભાજપમાં જ છું, મને પક્ષે બહાર કર્યો નથી. આગામી સમયમાં જોવાનું રહેશે પરંતુ પાટીદારોને અનામત આપવાના મુદ્દે સરકારે પાટીદારો સાથે વાતચીત કરવી જોઇએ.

યશવંતસિંહાએ ગઇકાલે વંથલી ખાતે હાર્દિક પટેલની સભામાં હાજરી આપી હતી. યશવંત સિંહા દ્વારા ગઈકાલે હાર્દિક પટેલ અને તેમની ટીમ સાથે મિટિંગ પણ કરવામાં આવી હતી. હાર્દિક પટેલ અને તેની ટીમ સાથે મિટિંગ બાદ આજ રોજ રાજકોટથી દિલ્લી જતા સમયે યશવંત સિંહાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને તેમની ટીમની કામગીરીથી હું વ્યક્તિગત બહુ જ પ્રભાવિત થયો. તેમની કાર્યપ્રણાલી અને ખેડૂતો માટેની કામગીરીને બિરદાવું છું.

સરદાર પટેલની પ્રતિમાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરદારની પ્રતિમાનો કોઈ વિરોધ નથી પણ અનુસૂચિત જન જાતી પર જે અન્યાય થયો છે તે ન થવો જોઈએ. જો આ લોકાર્પણમા અનુસૂચિત જનજાતિ લોકો જોડાયા હોત તો સરદાર પટેલની પ્રતિમાનું કદ હજુ વધી જાત અને જો લોકાર્પણ પહેલા ખુડૂતોની સમસ્યાનું સમાધાન થયું હોત તો સરદારને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થઇ હોત.

Latest Stories