Connect Gujarat
રાજકોટ 

વડોદરામાં લસણ-ડુંગળીની બોરી અને સુરેન્દ્રનગરમાં સફેદ પાવડરની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો.

વડોદરા જીલ્લા LCB પોલીસે લસણ-ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે,

X

વડોદરા જીલ્લા LCB પોલીસે લસણ-ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે, તો બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પણ સફેદ પાવડરની આડમાં સંતાડેલ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

વડોદરા જીલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે, એક બોલેરો પીકઅપ વાનમાં લસણ અને ડુંગળીઓની બોરીઓ ભરેલી છે. જે બોરીની આડમાં મોટી સંખ્યામાં વિદેશી શરાબ લાવવામાં આવી રહ્યો છે. બોલેરો પીકઅપ પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે એક કારમાં 2 વ્યક્તિઓ પાઈલોટીંગ પણ કરી રહ્યા છે, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોર બ્રીજ નજીક નાકાબંધી કરતા બાતમીવાળી પીકઅપ વાન અને પાઈલોટીંગ કરતી કાર ઝડપાઈ હતી, જ્યાં પીકઅપ વાનમાં લસણ-ડુંગળીના કોથળા ખસેડીને જોતા તેમાં 100 જેટલી બીયરની પેટી મળી આવી હતી. જેમાં 2,400 નંગ ટીન બીયરનો જથ્થો જેની કિંમત 3.48 લાખ આકવામાં આવી રહી છે. સાથે જ 5 મોબાઈલ ફોન, બોલેરો પીકઅપ વાન અને કાર સહિત રૂપિયા 40 હજાર રોકડ મળી રૂપિયા 13.40 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

તો બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ દારૂની હેરાફેરી કરવાનો નવો જ કીમિયો સામે આવ્યો છે. ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડની ટીમે અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યાં હાઇવે પર આવેલ એક હોટલ નજીક સફેદ પાવડરની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 948 નંગ બોટલ અને 312 નંગ બીયરના ટીનની કિંમત રૂપિયા 2.18 લાખ, 2 મોબાઈલ, રૂપિયા 10,500 રોકડ રકમ તેમજ ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા 12.92 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story