Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : અફીણની તસ્કરી-મોંઘીદાટ કારની ચોરી કરતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી ગેંગના 4 સભ્યોની કરી ધરપકડ, રાજસ્થાની ગેંગ ગુજરાતમાંથી કાર ચોરી-અફીણની કરતી તસ્કરી.

X

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી છે. આ રાજસ્થાની ગેંગ ગુજરાતમાંથી કાર ચોરી અને અફીણના તસ્કરોને ચોરાઉ વાહનોનું વહેંચાણ કરી નાખતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આ શખ્સોએ 18 ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. જોકે, આ ગેંગના અન્ય 4 સભ્યો હજુ પોલીસ પકડથી દૂર છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અફીણની તસ્કરી અને મોંઘીદાટ કારની ચોરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં મૂળ રાજસ્થાનના ઓમપ્રકાશ ખીલેરી, અનીલ ખીલેરી, ઓમપ્રકાશ ડારા અને પીરારામ જાણીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કાર ચોરી કરતી રાજસ્થાની આંતરરાજ્ય ગેંગ રાજકોટમાં ચોરીને અંજામ આપવા આવી રહી છે. તે હકીકતના આધારે પોલીસે વાહન ચેકીંગ ગોઠવી 2 કારમાં આવેલા આ ચારેય શખ્સનો ઝડપી લીધા હતા.

પોલીસે આ ગેંગની ધરપકડ કરી કાર તેમજ તેમની જડતી લેતા તેમની પાસેથી કી પ્રોગ્રામર/કાર સ્કેનર તેમજ જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટ મળી આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં આ શખ્સોએ અત્યાર સુધીમાં અલગ અલગ 18 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તો સાથે જ આ શખ્સો ચોરી કરાયેલ કાર અફીણની તસ્કરી કરતી રાજસ્થાનની અન્ય ગેંગને વહેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાંચે ચારેય શખ્સોની ધરપકડ કરી 2 કાર, 4 મોબાઈલ અને કારમાં ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ ૩૭,૩૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ શખ્સોની મોડસઓપરેન્ડીની વાત કરીએ તો, તેઓ પહેલા રાત્રીના 10 વાગ્યા આસપાસ કારની રેકી કરી રાત્રે 2 વાગ્યાની આસપાસ તે જ કારની ચોરી કરતાં હતા. કારની ચોરી કરતી વખતે સૌ-પ્રથમ આ શખ્સો કારના સાયરનનો વાયર કાપી નાખે છે, જેથી દરવાજો ખોલાવાથી સાયરન ન વાગે, ત્યારબાદ કારનો કાંચ કાઢી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી કાર ચાલુ કરે છે.

આ શખ્સો પાસે હમેશા કારનું સ્કેનર રહેલું હોય છે. જો કોઈ કારને ચાલુ કરવામાં એરર આવે તો, આ શખ્સો પોતાની સાથે રહેલુ ગાડીના સ્કેનરથી ગાડીમાં રહેલ ફોલ્ટ સ્કેન કરે છે, ત્યારબાદ તે ફોલ્ટ દુર કરી કાર લઈને ફરાર થઈ જાય છે. જોકે, હાલ તો પોલીસના હાથે ઝડપાયેલા તમામ શખ્સોની વિશેષ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Next Story