36મા રાષ્ટ્રીય ખેલમાં રોજેરોજ રોમાંચક સ્પર્ધાઓ સાથે નવા રેકોર્ડ બની રહ્યા છે, ત્યારે રાજકોટમાં ગુજરાતી મહિલા ખેલાડી માના પટેલે 50 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધા 29.77 સેકન્ડમાં પૂર્ણ કરીને નવા નેશનલ ગેમ્સ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
36મા રાષ્ટ્રીય ખેલ અંતર્ગત રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે 50 મીટર બેકસ્ટ્રોક મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતી મહિલા ખેલાડી માના પટેલે સુવર્ણ ચંદ્રક, કર્ણાટકની રિદ્ધિમા વીરેન્દ્રકુમાર રજત તથા બંગાળની સાગરિકા રોયે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 400 મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં ભારે રસાકસી સર્જાઈ હતી. કર્ણાટકની હશિકા રામચંદ્રે વર્ષ 2015નો 4 મિનિટ 32.50 સેકન્ડનો નેશનલ ગેમ્સ રેકોર્ડ તોડીને, 4 મિનિટ 32.17 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે દિલ્હીની ભવ્યા સચદેવા માત્ર ૬૩ માઇક્રો સેકંડ સાથે પાછળ રહી ગઈ હતી.જેના લીધે તેને બીજા ક્રમે રજત ચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેલંગણાની વૃત્તિ ગરવાલને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત થયો હતો. 400 મીટર ફ્રી સ્ટાઇલ પુરુષોની સ્પર્ધા શ્વાસ થંભાવી દેનાર રહી હતી. ત્રણેય સ્પર્ધક માત્ર માઇક્રો સેકન્ડના ફરકથી જીત્યા હતા. કેરળના સજન પ્રકાશે પ્રથમ ક્રમે સુવર્ણ, મધ્યપ્રદેશના અદ્વૈત પાગે રજત ત્યારે કર્ણાટકના અનીશ ગોવડાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 200 મીટર મીડલે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટકની હશિકા રામચંદ્રએ સુવર્ણ, કર્ણાટક માનવી વર્માએ રજત જ્યારે ગોવાની શ્રૃંગી બંદેકરએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
200 મીટર મીડલે પુરુષોની સ્પર્ધામાં ત્રણેય સ્પર્ધકોએ વર્ષ 2015નો 2 મિનિટ 08.98નો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સર્જ્યો હતો. કેરળના સજન પ્રકાશે 2 મિનિટ 05.81 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ ક્રમે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે કર્ણાટકના શિવા. એસ.એ રજત તથા તમિલનાડુના બેનેડિક્ટ રોહિતે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ પ્રસંગે પશુપાલન રાજ્યમંત્રી દેવા માલમના હસ્તે તરણની સ્પર્ધાઓના વિજેતાઓને ચંદ્રક એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાંસદ રામ મોકરિયા, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુ, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.