રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ૬૭ ડોક્ટરોને અર્બન હેલ્થ ક્લિનીકમાં ભરતી માટેની જાહેરાતમાં હાંસીપાત્ર શરતો જોવા મળી રહી છે. પસંદગી પામેલ તબીબને પોતાના ખર્ચે પેરા મેડિકલ સ્ટાફ રાખવા જણાવ્યુ છે તો સાથે જ તબીબી તપાસના સાધનો પણ સ્વખર્ચે વસાવવા શરત રખાતા કોંગ્રેસે સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકાર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે જાહેરાત આપી રહી છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુધારવા અને ગુજરાતની જનતાને ડોકટરો ઉપલબ્ધ થાય તે અંગે ભાજપ સરકારની નીતિ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ અનેક સવાલો ઉભા કર્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આરોગ્ય સેવા સુધારવા અને ડોકટરો ઉપલબ્ધ થાય તે માટે ભાજપ સરકાર પાસે નીતિ જ નથી.રાજ્યના MBBS/ BAMS/ BHMS ડોક્ટરોને માન સન્માન આપવાને બદલે વર્ગ-૩માં ધકેલીને રાજ્ય સરકાર ડોક્ટરોને તબીબી સેવામાં ન જોડાય તેવા કારસા કરી રહી છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા ૬૭ ડોક્ટરોને અર્બન હેલ્થ ક્લિનીકમાં ભરતી માટેની જાહેરાત હાંસીપાત્ર શરતો જોવા મળી છે.
ડોક્ટરો સેવામાં જોડાય તો પેરામેડિકલ સ્ટાફ પણ પગાર સાથે ડોક્ટરે આપવાનો રહેશે. આ તે કેવા પ્રકારની શરતો છે ? ડોક્ટર જે દિવસથી જોડાશે તે દિવસથી જરૂરી તબીબી તપાસ ના સાધનોની વ્યવસ્થા સ્વખર્ચે તબીબે કરવાની રહેશે. કેવા પ્રકારની શરતો ? કોરોનાની મહામારીમાં મોટા પાયે ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છતાં આરોગ્ય વિભાગ તેની નિતિ - નિયત અને નિયમો જ એવા છે કે કોઈ સરકારી વ્યવસ્થામાં જોડાય જ નહિ. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વાતો કરતી ભાજપ સરકારની આરોગ્ય નીતિ સામે તેઓ પ્રશ્નો ઉઠાવ્યા હતા.