રાજકોટ : વર્ષો જુના મિત્રોની મુલાકાત, વજુભાઇ વાળા અને વિજય રૂપાણીએ કર્યા એકબીજાના વખાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ઉજવ્યો જન્મદિવસ, ભાજપના પીઢ નેતા વજુભાઇ વાળા સાથે કરી મુલાકાત.

New Update
રાજકોટ : વર્ષો જુના મિત્રોની મુલાકાત, વજુભાઇ વાળા અને વિજય રૂપાણીએ કર્યા એકબીજાના વખાણ

કર્ણાટકના રાજયપાલ તરીકે નિવૃત થયા બાદ વજુભાઇ વાળા હાલ રાજકોટમાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના જન્મદિવસે સૌ પ્રથમ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બંને નેતાઓએ એકબીજાના ભરપેટ વખાણ કર્યા હતાં.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારના રોજ પોતાના જન્મદિવસની વતન રાજકોટમાં ઉજવણી કરી હતી.તેઓએ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી આગેવાનો તથા કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રીના જન્મદિવસની સૌથી મહત્વની વાત રહી હતી તેમની વજુભાઇ વાળા સાથેની મુલાકાત.. વિજય રૂપાણી તેમના જુના સાથી અને દિગ્ગજ નેતા વજુભાઇના નિવાસે ગયાં હતાં અને તેમના આર્શીવાદ લીધાં હતાં. વજુભાઇએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી નીડર નેતા છે. મેં એમને આશીર્વાદ આપ્યા છે.કોઈનો મારે સફાયો નથી કરવો, મારે ભાજપને આગળ વધારવું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીઢ નેતા વજુભાઈ વાળાના નિવાસ સ્થાને બંધ બારણે 25 મિનિટ સુધી બેઠક કરી હતી.આ સમયે વિજય રૂપાણીએ વજુભાઈ વિશે વાત કરી હતી. વજુભાઇના રાજકોટ આવવાથી કાર્યકર્તાઓને વડીલની હુંફ મળશે.વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી.અલગ અલગ સ્વરૂપમાં વજુભાઇ પાર્ટીની સેવા કરતા જોવા મળશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બન્ને નેતાઓ વર્ષોથી લોકો વચ્ચે રહ્યા છે.પછી બન્ને નેતાઓ સરકારમાં હોય કે સંગઠનમાં..તેઓ છેલ્લા 40 વર્ષથી સતત લોકોની વચ્ચે છે એટલા માટે આજે પણ ગુજરાતના રાજકારણમાં બન્ને નેતાઓએ પોતાનું વર્ચસ્વ તકાવી રાખ્યું છે.