દરિયાકાંઠે રૂ.20 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું સાંસ્કૃતિક વન
સર્વોદય વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગાંધીવિચારો અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સમન્વય
આ વનથી જિલ્લામાં ઇકો-ટૂરિઝમને વેગ મળ્યો
વન ગાંધીજીના સત્ય અને અહિંસાના જીવનમૂલ્યોથી પ્રેરિત
પોરબંદરના દરિયાકાંઠે રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલું રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’ પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું છે. ગાંધીવિચારો અને પર્યાવરણ સંરક્ષણના સમન્વય સમાન આ વનથી જિલ્લામાં ઇકો-ટૂરિઝમને વેગ મળ્યો છે.
પોરબંદરના ઓડદર ગામે 14 હેક્ટરમાં આકાર પામેલા ‘સર્વોદય વન’માં 70થી વધુ પ્રજાતિનાં આશરે દોઢ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. દરિયાઈ પવનો સામે ટકી શકે તેવી સ્થાનિક વનસ્પતિઓ ઉછેરીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવાયો છે.
વનમાં મહાત્મા વન, અહિંસા સ્તંભ, કૃષ્ણ-સુદામા વાટિકા અને મિશન લાઈફ ગાર્ડન જેવા થીમ-આધારિત આકર્ષણો ઊભા કરાયા છે, જે મુલાકાતીઓને પર્યાવરણ સંરક્ષણ સાથે ગાંધીજીના સત્ય અને અહિંસાના જીવનમૂલ્યોથી પરિચિત કરાવે છે.
પ્રવાસીઓની સુવિધા માટે અહીં કેફેટેરિયા અને પાર્કિંગ સહિતનું પાયાનું માળખું ઉપલબ્ધ કરાયું છે. સાથોસાથ, સ્થાનિક કારીગરો પોતાની હસ્તકળાનું વેચાણ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાતા સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભરતાને પણ સીધો ટેકો મળ્યો છે.
