IND-W vs AUS-W 2nd T20: ભારતીય મહિલા ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું..!
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. બીજી T20માં રોમાંચક મુકાબલો જોવા મળ્યો

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. બીજી T20માં રોમાંચક મુકાબલો જોવા મળ્યો અને તેનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું. ભારતે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 6 બોલમાં 20 રન બનાવ્યા હતા.
રિચા ઘોષે સિક્સર વડે સુપર ઓવરની શરૂઆત કરી હતી. જોકે તે બીજા જ બોલ પર આઉટ થઈ ગઈ હતી. આ પછી ત્રીજા બોલ પર હરમનપ્રીત કૌરે સિંગલ લીધો હતો. સ્મૃતિ મંધાનાએ ચોથા બોલ પર ચોગ્ગો અને પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. મંધાના અને હરમનપ્રીતે છેલ્લા બોલ પર ત્રણ રન લીધા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 6 બોલમાં 16 રન જ બનાવી શકી હતી. ભારત માટે ફાસ્ટ બોલર રેણુકા ઠાકુર બોલિંગ કરવા આવી અને તેણે શાનદાર બોલિંગ કરી.
ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા હીલી અને એશ્લે ગાર્ડનર બેટિંગ કરવા ઉતર્યા. હેલીએ રેણુકાના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હીલીએ બીજા બોલ પર બે રન બનાવ્યા. ત્રીજા બોલ પર રેણુકાએ ગાર્ડનરને રાધાના હાથે કેચ આઉટ થઈ. આ પછી તાહિલા મેકગ્રા બેટિંગ કરવા આવી હતી. ચોથા બોલ પર મેકગ્રાએ સિંગલ લીધો હતો. હીલીએ પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. હીલીએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે કુલ 16 રન જ બનાવી શક્યો. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મૂનીએ અણનમ 82 અને તાહિલા મેકગ્રાએ અણનમ 70 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ રીતે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે.