એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાની ભૂંડી હાર,માત્ર 50રન બનાવી ઓલઆઉટ ભારતે 10 વિકેટે વિજય મેળવ્યો

ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને 5 વર્ષ પછી આ ટાઈટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ઈતિહાસમાં આઠમી વખત આ ટ્રોફી જીતી છે. આ ટૂર્નામેન્ટની વિજેતા તરીકે ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે મોટી રકમ મળી છે. ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે બોલ સાથે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજે આ મેચમાં 6 વિકેટ લઈને શ્રીલંકાની ટીમને 50ના સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ લક્ષ્ય માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને વિજેતા તરીકે 150,000 યુએસ ડોલર ઈનામી રકમ તરીકે મળ્યા. જ્યારે શ્રીલંકાની ટીમને ઉપવિજેતા તરીકે 75,000 યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવી હતી.
એશિયા કપ 2023માં ભારતીય ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં કુલદીપ યાદવનું નામ મોખરે હતું જેણે પાકિસ્તાન સામેની મેચમાં 5 વિકેટ અને ત્યારબાદ શ્રીલંકા સામે મહત્વના સમયે 4 વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે કુલદીપને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો, જેમાં તેને 15,000 યુએસ ડોલરની પ્રાઇસ મની પણ આપવામાં આવી હતી