યશસ્વી જયસ્વાલની લડાયક ઈનિંગ્સ છતાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટ બચાવી શકી નથી. ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં ભારતને 184 રને હરાવ્યું હતું. આ સાથે મેલબોર્નમાં હેટ્રિક નોંધાવવાનું ભારતનું સપનું ચકનાચૂર થઈ ગયું. ભારતે તેના છેલ્લા બે ઓસ્ટ્રેલિયન પ્રવાસો (2018 અને 2020)માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચ જીતી હતી. આ વખતે ભારતીય ટીમ જીતવા માટે જરૂરી 340 રન બનાવી શકી ન હતી અને હેટ્રિકથી ચુકી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ 369 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 105 રનની લીડ સાથે ઉતરી હતી. તેણે પોતાની બીજી ઈનિંગમાં 234 રન બનાવ્યા અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો, જેને ટીમ ઈન્ડિયા હાંસલ કરી શકી ન હતી અને મેચના છેલ્લા દિવસે સોમવારે 155 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ભારત 12 વર્ષ પછી MCGમાં હારી ગયું છે. આ પહેલા તે વર્ષ 2012માં આ મેદાન પર હારી ગયો હતો. ભારતે 2014માં અહીં ડ્રો રમ્યો હતો. ભારતે 2018-19 અને 2020-21માં જીત મેળવી હતી.
WTC ફાઇનલનું સપનું તૂટી ગયું
આ સાથે જ ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. હવે તેના માટે રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે હવે સિડનીમાં છેલ્લી મેચ જીતવી પડશે અને આશા છે કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સામેની બંને ટેસ્ટ મેચ હારે.