ભારતીય ક્રિકેટ ટીમ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ટીમમાં મર્યાદિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકાય છે. ODI અને T20 ફોર્મેટની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
તમને જણાવી દઈએ કે બુધવારે (21 ડિસેમ્બર) BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક પણ થઈ છે. જેમાં ભારતીય ટીમમાં સ્પ્લિટ કેપ્ટન્સી સિવાય સ્પ્લિટ કોચિંગની પણ ચર્ચા થઈ છે. BCCIના સૂત્રોએ સ્પષ્ટપણે કહ્યું છે કે મર્યાદિત ઓવરો (ODI-T20) ફોર્મેટમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવી નિશ્ચિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમારી પાસે આ પ્લાન છે. આ અંગે તેની (હાર્દિક) સાથે પણ ચર્ચા થઈ છે. તેણે આ મામલે થોડા દિવસનો સમય માંગ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ શું નિર્ણય લે છે. હાલમાં આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે તે નિશ્ચિત છે કે બોર્ડે તેને (હાર્દિક)ને સફેદ બોલની ક્રિકેટની કેપ્ટનશીપ આપવા પર વિચાર કર્યો છે. હવે જોઈએ આગળ શું થાય છે. પસંદગી સમિતિની નિમણૂક થયા બાદ જ આ મામલે અંતિમ નિર્ણય લઈ શકાશે.