/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-236.jpg)
નેશનાલાઈઝડ બેંકોના મર્જર સામે સુરતમાં મંગળવારના રોજ મક્કાઈ પુલ ખાતે આવેલી યુનિયન બેંક પાસે બેંક કર્મચારીઓ દ્વારા ધરણાં સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિવાળી પહેલા જ બેંક કર્મચારીઓની હડતાળના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા નેશનાલાઈઝડ બેંકોને મર્જર સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૯૦૦૦ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસીએશન તથા બેન્કિંગ એમ્પ્લોય ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા એક દિવસીય હડતાળ પાડવામાં આવી છે. હડતાળને લઈ દક્ષિણ ગુજરાતમાં રૂપિયા ૧૮૦૦ કરોડનું રોજીંદુ ક્લિયરન્સ પણ ખોરવાઇ જવાનો અંદાજ લગાડાય રહયો છે.
બેન્ક યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે, ૧૮૦૦ કરોડનું રોજીંદુ ક્લિયરન્સ ખોરવાશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 9 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર છે. હડતાળના કારણે ૪૦૦ જેટલી બેંકોનું કામકાજ ખોરવાયું છે. અમારી મુખ્ય માંગણી છે કે, સરકાર મુખ્ય બેંકનું મર્જર કરીને ૬ બેંકોને ૪ બેંકમાં કરીને બેંકોનું મર્જર કરવા જઈ રહી છે, તેનો બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરની ખાનગી અને સહકારી બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા ન હતાં.