સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો દ્વારા 300 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી થઈ છે. તેમ છતાં આજે વર્ષ 2021માં પણ લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવ્યો નથી. જો આગામી દિવસોમાં મકાનનો કબ્જો આપવામાં નહીં આવે તો લાભાર્થીઓ દ્વારા ધરણાં કરવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરતના ડિંડોલી નજીક ભેદવાડ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2019માં થયેલ મકાનનો ડ્રો છતાં દોઢ વર્ષથી વધુ સમય વીત્યાને લાભાર્થીઓને આ મકાનનો કબ્જો સોંપવામાં આવ્યો નથી. લાભાર્થીઓ દ્વારા મકાનની લોન પણ કરી દેવામાં આવી છે. જેના કારણે દોઢ વર્ષથી લાભાર્થીઓ મકાનના હપ્તા ભરતા આવ્યા છે. કોરોનાની મહામારીના કારણે લોકો પાસે ધંધા વેપાર રહ્યા નથી, ત્યાં એક તરફ મકાનના હપ્તા અને બીજી તરફ રૂમનું ભાડું ભરતા આવેલા લાભાર્થીઓની હવે ધીરજ ખૂટી પડી છે. અવારનવાર સ્થાનિક ધારાસભ્યો, પાલિકા અધિકારીઓને રજૂઆત કરવા છતાં મકાનનો કબ્જો લાભાર્થીઓને આપવામાં આવ્યો નથી, ત્યારે સાશકોની અદોડાઈના કારણે ગરીબ લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર ગરીબ લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે મકાનનો કબ્જો ફાળવી આપે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.