સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આવી પહોચી મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાતમાં ઊભી થયેલી કોરોના પરિસ્થિતિ સામે ભાજપની સરકાર જવાબદાર હોવાનો અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ હજી સુધી વહિવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરી હોવાના કારણે લોકોના મોત નિપજ્યા છે, ત્યારે સુરત શહેર સહિત રાજ્યભરમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. તો સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનમાં લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે.
સી.આર.પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ હોવાનો પણ અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તો સાથે જ તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળવી જોઈએ જે આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યુ હતું.