સુરત : કરંજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની નિબંધ લેખન સ્પર્ધામાં મેળવ્યો તૃતીય ક્રમ

New Update
સુરત : કરંજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની નિબંધ લેખન સ્પર્ધામાં મેળવ્યો તૃતીય ક્રમ

ડો. વિક્રમ સારાભાઈની જન્મજયંતીના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર)ના ઉપક્રમે રાજ્યકક્ષાની નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.

publive-image

વર્તમાન કોરોના મહામારીના પગલે ઓનલાઈન મોડથી યોજાયેલ આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ વિજેતા પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી નિબંધ લેખન સ્પર્ધામાં “ડો. વિક્રમ સારાભાઈ જીવંત હોત તો..!” વિષય પર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળાની ધોરણ-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિયા મનહરભાઈ આહિરે ૩૦૦૦ શબ્દોમાં પોતાના વિચારો રજૂ કરી સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા બની શાળા, ગામ, તાલુકા તેમજ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તો સાથે જ ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આનંદની લહેર પ્રસરી હતી. તેણીની આ સિદ્ધિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલ તથા કરંજના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિજય પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

ગાંધીનગર ખાતે સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહ GUJCOST, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કરંજ પ્રાથમિક શાળાના આચાર્ય જાગૃતિ પટેલના પ્રેરણાબળ તથા શાળાના ઉપશિક્ષિકા પારૂલ પટેલના સઘન માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાએ ઝળહળતી સિદ્ધિ મેળવનાર કુમારી દિયા આહિરને રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે રૂપિયા 10,000નું રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GUJCOST,ગાંધીનગરના એડવાઈઝર અને સેક્રેટરી ડો. નરોત્તમ સાહુએ વિજેતા સૌ સ્પર્ધક બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.