/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-4.jpg)
સુરતના કતારગામમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક ઈસમ 3.17 લાખનું સોનાનું ચેઈનનું બોક્સ દુકાન માલિકની નજર સામે જ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
કતારગામ સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ ચીમનભાઇ સોની કતારગામ નારાયણ નગરમાં પુનિત જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત સાંજના સમયે તેઓની દુકાનમાં એક 18 થી 21 વર્ષીય યુવાન સોનાની ચેઇન ખરીદી કરવાના બહાને આવ્યો હતો અને દુકાન માલિકને ચેઈન બતાવવા કહ્યું હતું. જેથી દુકાન માલિક ચેઇન બતાવી રહ્યો હતો તે વેળાએ તકનો લાભ લઇ તસ્કર 3.17 લાખની કિંમતનું સોનાની ચેઇન ભરેલું બોક્સ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જવેલર્સ માલિકે આરોપીને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના જવેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે જેમાં તસ્કર ચોરી કરતા નજરે ચડે છે. આ સમગ્ર બનાવની જાણ જવેલર્સના માલિકે પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.