વરાછામાં કળિયુગી માતાનું પાપ છતુ થયું

પ્રેમી માટે 5 વર્ષના બાળકને ત્યજી દીધો

માસૂમ દીકરાને બાગમાં મૂકી માતા થઇ હતી ફરાર

બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ કરવા જતા ભાંડો ફૂટ્યો

8 મહિના પછી પાપ છતું થતા માતા જેલમાં પુરાય  

સુરતના વરાછામાં નિષ્ઠુર જનેતાના જધન્ય કૃત્યએ સમાજમાં ફીટકારની લાગણી પ્રસરાવી દીધી છે.પોતાના પ્રેમી માટે પાંચ વર્ષના વ્હાલ સોયા બાળકને ત્યજી દેનાર માતા આખરે 8 મહિના પછી જેલમાં પુરાય છે.

સુરતના વરાછામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને કળિયુગમાં માતા અને પુત્રના પવિત્ર સંબંધ પરથી તમારો વિશ્વાસ ડગી જશે! એક નિષ્ઠુર જનેતાએ પોતાના જ 5 વર્ષના માસૂમ દીકરાને રખડતો મૂકી દીધો હતો. અને પાપ છુપાવવા માટે 8 મહિના પછી જે નાટક કર્યું હતું, તેનાથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે!

ઘટના કંઈક એવી છે કે, આ મહિલાને તેના પહેલા પતિથી એક 5 વર્ષનો દીકરો હતો. પતિના મારઝૂડથી કંટાળીને મહિલાને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. મહિલા પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવા માંગતી હતી, પણ પ્રેમીના માતા-પિતાએ આ 5 વર્ષના બાળકનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી. બસ, પછી શું? પ્રેમમાં અંધ બનેલી આ માતાએ પોતાના કાળજાના ટુકડા જેવા દીકરાને વરાછા ગાર્ડનમાં એકલો તરછોડી દીધો અને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.

આ માસૂમ બાળક 8 મહિના પહેલા વરાછા પોલીસને મળ્યું હતું. પોલીસે વાલીની ખૂબ શોધખોળ કરી, પણ કોઈ ન મળતા તેને બાળગૃહમાં મોકલી અપાયું હતું. ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આ ઘટનાના 8 મહિના પછી, આ જ જનેતા પોલીસ સ્ટેશન પહોંચી અને બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વરાછા પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે આ કળિયુગી માતા ભાંગી પડી અને આખું પાપ બહાર આવી ગયું હતું.

હાલમાં વરાછા પોલીસે ખોટી ફરિયાદ કરવા બદલ અને માસૂમ બાળકને બિનવારસી છોડી દેવા બદલ માતા અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી છે.અને વધુ તપાસ શરૂ કરી છે.