‘જલ મહોત્સવ’માં જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ કામગીરી
દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચતા આદર્શ મોડેલ
ઉત્કૃષ્ટ કામગીરી બદલ લક્ષ્મીવાસ ગામનું ખાસ સન્માન
દિલ્હી ખાતે લક્ષ્મીવાસ ગામનું રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન
લક્ષ્મીવાસના ગ્રામજનો અનુભવી રહ્યા છે ગૌરવની લાગણી
નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ’માં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોરબીના લક્ષ્મીવાસ ગામને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોરબીના લક્ષ્મીવાસ ગામને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. એક સમયે પાણીની આકરી તંગીનો સામનો કરતું આ ગામ આજે ‘જલ જીવન મિશન’ અંતર્ગત દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડીને દેશભરમાં એક આદર્શ મોડેલ બન્યું છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ગામનું બહુમાન કરાયું છે. મોરબી જિલ્લાનું લક્ષ્મીવાસ ગામ આજે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશભરમાં ચમક્યું છે. જલ જીવન મિશન યોજનાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ગ્રામજનોએ પાણીની અછતને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધી છે. ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગામમાં બોરવેલના પાણી પીવાલાયક નહોતા અને મુખ્ય તળાવ પણ સાત કિલોમીટર દૂર હતું. આ કપરી સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારની નર્મદા નહેર આધારિત પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી.
જોકે, વાસ્મો (WASMO), ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસો તેમજ સ્થાનિક અગ્રણી અશોકભાઈના નેતૃત્વના કારણે આજે ગામના તમામ 280 મકાનોમાં પાઇપલાઇન દ્વારા નર્મદાના શુદ્ધ નીર પહોંચી રહ્યા છે. લક્ષ્મીવાસ ગામની આ સફળ પેટર્ન પરથી પ્રેરણા લઈને વાસ્મો તંત્ર હવે મોરબી જિલ્લાના અન્ય ગામો સુધી પણ ભરોસાપાત્ર પાણી પુરવઠો પહોંચાડવા કાર્યરત છે. સરકારી તંત્રનું ચોક્કસ આયોજન અને ગ્રામજનોની અતૂટ જનભાગીદારીને કારણે લક્ષ્મીવાસ ગામ આજે રાષ્ટ્રીય સ્તરે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. સામૂહિક સંકલ્પ અને મક્કમ ઈચ્છાશક્તિથી ગ્રામીણ સ્તરે કેવું મોટું પરિવર્તન લાવી શકાય, તેનું આ ગામે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
