Connect Gujarat
ગુજરાત

સુરત: પુનાગામ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ૯૯.૯૭ લાખની જૂની ચલણી નોટ સાથે ૧ ઝડપાયો

સુરત: પુનાગામ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ૯૯.૯૭ લાખની જૂની ચલણી નોટ સાથે ૧ ઝડપાયો
X

નોટ બંધીને ત્રણ વર્ષ કરતા વધુ સમય વીતી ચુક્યો છે. તેમ છતાં સુરતમાં હજુ પણ જૂની નોટોની હેરાફેરી યથાવત રહેવા પામી છે. સુરતમાં નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ૯૯.૯૭ લાખની જૂની ચલણી નોટ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આ મામલે આયકર વિભાગને જાણ કરવામાં આવી છે.

સુરતમાં અગાઉ પણ અનેક વખત જૂની ચલણી નોટો સાથે અનેક આરોપીઓ પકડાયા છે અને નોટ બંધીના ત્રણ વર્ષ બાદ પણ આ સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સુરતમાં વધુ એક વખત જૂની ચલણી નોટો સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પુણા પોલીસે બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ખાનગી લકઝરી બસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વિનોદ શાહ નામના એક ઇસમ પાસેથી બેગ મળી આવી હતી. પોલીસે બેગમાં તપાસ કરતા તેમાંથી જૂની ચલણી નોટો મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે નોટની ગણતરી કરતા રદ્દ કરાયેલી 500-1000ની ૯૯.૯૭ લાખની જૂની ચલણી નોટ મળી આવી હતી. આ મામલે પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તે કતારગામમાં રહેતો હોવનું અને ખાખરા વેચતો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેણે આ બેગ મુંબઈના એક ગ્રાહકે આપી હોવાની વાત કરી હતી.

સમગ્ર મુદ્દે હવે આયકર વિભાગ પણ તપાસ કરશે પરંતુ આટલી મોટી માત્રામાં જૂની ચલણી નોટ ઝડપાતા સુરત શહેરમાં ફરી એક વખત ચકચાર મચી જવા પામી છે.

Next Story