સુરત : કામરેજ તાલુકા પંચાયતના મહિલા સભ્યના રાજીનામાનો વિવાદ

New Update
સુરત : કામરેજ તાલુકા પંચાયતના મહિલા સભ્યના રાજીનામાનો વિવાદ

સુરત જીલ્લાના કામરેજ તાલુકા પંચાયતના એક મહિલા સભ્યના પતિનો વિડિયો વાયરલ થયો છે. મહિલા સભ્યએ દોઢ વર્ષ પહેલા રાજીનામું આપ્યું છતાં પ્રમુખ દ્વારા રાજીનામું સ્વીકારાયું નથી અને તેઓને વારંવાર મીટીંગના એજન્ડા મોકલી અપમાન કરવામાં આવી રહ્યુું હોવાના આક્ષેપ સાથે રાજ્યના વિકાસ કમિશ્નર તથા જીલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે.

સુરત જીલ્લાના કામરેજ તાલુકામાં એક વાયરલ થયેલો વિડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વિડીઓ અન્ય કોઈનો નહી પરંતુ કામરેજ તાલુકા પંચાયતના કઠોદરા-૮ વિસ્તારના મહિલા સભ્ય દક્ષા પટેલના પતિ જયંતીલાલનો છે, વિડીઓમાં જયતિલાલ પહેલા તો સરકારને પોપાભાઈનું રાજ કહી રહ્યા છે, અને ત્યારબાદ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. જયંતીલાલના પત્ની દક્ષા પટેલ પોતાની પાસે સમયનો અભાવ હોવાનું કારણ આપી વર્ષ ૨૦૧૮માં તા. ૨૧મી જૂનના દિવસે એકરારનામાં સાથે રાજીનામું તત્કાલીન પ્રમુખને આપ્યું હતું, જો કે ત્યાર બાદ પણ મહિલા સભ્યને મીટીંગના એજન્ડા મોકલવામાં આવ્યા હતા અને મહિલાએ રાજીમાનું આપ્યું છતાં તેઓને એજન્ડા મોકલી મહિલા સભ્યનું અપમાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

રાજીનામું આપનાર મહિલા સભ્ય દક્ષા પટેલ અગાઉ ગામના સરપંચ તેમજ ૫ વર્ષના જીલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે અને ભાજપાના એક સક્રિય અને સીનીયર કાર્યકર છે. તાલુકા પંચાયતની ચુંટણી સમયે મહિલા સભ્યને પ્રમુખ બનાવવાના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ અઢી વર્ષની ટર્મ પૂરી થતા પોતે સીનીયર હોવા છતાં તેમજ પોતાની અવગણના થતા અન્ય મહિલાને પ્રમુખ બનાવી દેતા દક્ષા પટેલે રાજીનામું આપવાનું કારણ જણાવ્યુ હતું.

કામરેજ તાલુકા પંચાયત એટલે સુરત જીલ્લાની અતિ મહત્વની તાલુકા પંચાયત છે. કહી શકાય કે સુરત જીલ્લાના રાજકારણનું રીમોટ કંટ્રોલ કામરેજ તાલુકા પંચાયત છે. અહીંથી આખા જીલ્લાના રાજકારણની રણનીતિ નક્કી થાય છે, ત્યારે આજ તાલુકા પંચાયતના સભ્ય અને તે પણ મહિલા સભ્ય રાજીનામું આપે તેના જવાબ મોવડી મંડળને આપવા કદાચ અઘરા બને, જેને કારણે કદાચ રાજીનામું નહિ સ્વીકારવાનું કારણ હોય શકે.

Latest Stories