પાનોલી રેલવે સ્ટેશન પર બની હતી ઘટના

મોબાઈલ સ્નેચિંગમાં યુવાનનું મોત નિપજ્યું હતું

રેલવે પોલીસને મળી સફળતા

ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલાયો

2 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન મોબાઇલ લૂંટ અને યુવકના મોતના ગુનાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાંખી 2 આરોપીઓની ધરપકડ કરી છે

ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઇલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનાનો ભેદ વડોદરા રેલવે યુનિટની LCB અને SOG ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. આ બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બે આરોપીઓને ઝડપી લીધા છે. 4 ઓગસ્ટના રોજ અશોકકુમાર જયસિંગ ગરાસિયા ટ્રેનમાં રાજસ્થાનથી સુરત તરફ આવી રહ્યા હતા. પાનોલી રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે તેઓ દરવાજા પાસે બેસીને મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેમનો મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અશોકકુમાર ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયા અને ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું મોત થયું હતું. ઘટના બાદ LCB અને SOGની ટીમોએ પાનોલી રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે રેલવે સ્ટેશનો પરના ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરતમાં કામ કરતા લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી હતી. આ તપાસના આધારે પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનીલ, ઉંમર 26,ને ઝડપી લીધો હતો. તેની પાસેથી અલગ-અલગ કંપનીના બે મોબાઇલ ફોન, કિંમત આશરે રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુનાની કબૂલાત ઉપરાંત અન્ય છ જેટલા મોબાઇલ ચોરીના બનાવોમાં સંડોવણીની કબૂલાત કરી હતી.રેલવે પોલીસે ગુનાના અન્ય આરોપી રાકેશ રામદાસ વાસાવાની પણ ધરપકડ કરી હતી.