-
પલસાણામાં યુવતીનો મળ્યો મૃતદેહ
-
અર્ધનગ્ન હાલતમાં લાશ મળતા ચકચાર
-
ઘટના બાદ લિવ ઈનમાં રહેતો યુવક ફરાર
-
22 વર્ષીય યુવતીની હત્યાની પ્રબળ આશંકા
-
પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી રહી છે.બગુમરા ગામમાં આવેલી મહાદેવ વિલા સોસાયટીના એક મકાનમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં અર્ધનગ્ન મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સુરતનું પલસાણા પંથક એક ભયાનક ઘટનાથી ધ્રુજી ઉઠ્યું છે. બગુમરા ગામની મહાદેવ વિલા સોસાયટીના એક મકાનમાં જ્યારે લોકોએ 22 વર્ષીય મૈવીશ ખાટુંન અફઝલ અલી નામની યુવતીનો ગંભીર અને અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ જોયો, ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા.
મૃતક યુવતી છેલ્લા કેટલાક સમયથી અહીં શિવમ નામના એક યુવક સાથે રહેતી હતી. પરંતુ આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી જ તેનો લિવ-ઈન પાર્ટનર શિવમ રહસ્યમય રીતે ફરાર થઈ ગયો છે, જેને કારણે આ સમગ્ર મામલો અત્યંત શંકાસ્પદ બન્યો છે.
સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, મૃતદેહની આસપાસથી પોલીસને કેટલીક આપત્તિજનક સામગ્રી પણ મળી આવી છે. જેને પગલે યુવતી સાથે કોઈ અજુગતું થયું હોવાની અથવા તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.
ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મકાનને કોર્ડન કરીને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. ફરાર થઈ ગયેલા શિવમને દબોચી લેવા માટે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ચુસ્ત નાકાબંધીના આધારે ચક્રો ગતિમાન કર્યા છે.
