સુરત: ઉમરા વિસ્તારમાં માત્ર ૧ કલાકની અંદર જ તસ્કરો રૂપિયા ૭.૭૦ લાખની ચોરી કરી ફરાર

New Update
સુરત: ઉમરા વિસ્તારમાં માત્ર ૧ કલાકની અંદર જ તસ્કરો રૂપિયા ૭.૭૦ લાખની ચોરી કરી ફરાર

સુરતના ઉમરા વિસ્તારમાં માત્ર ૧ કલાકની અંદર જ તસ્કરો ૭.૭૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ કરેલી ચોરી ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં તસ્કરોને જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટના ઉમરા વિસ્તારમાં બનવા પામી છે. સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલી પાંચ પાંડવ બંગલાની બાજુમાં રિવર રેસિડેન્સીના ચોથા માળે રહેતા કિશોરકુમાર વિનયચંદ્ર શાહના મકાનમાં અજાણ્યા ત્રણ ઈસમોએ ફ્લેટની જાળીવાળા દરવાજાની ડિઝાઈન તોડી દરવાજો ખોલી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં બેડરૂમના કબાટના નકુચા કોઈક સાધન વડે તોડી તેના ડ્રોવરમાં રાખેલા રોકડા રૂપિયા 3,53,800 તથા અળગ અલગ સોના તથા ડાયમંડના દાગીના આશરે ચોવીસ તોલા જેની કિંમત 2લાખ 47 હજાર અને સોનાની બે લગડી જેની કિંમત અંદાજે 1,70 હજાર એમ કુલ મળી 7,70,800ની ચોરી કરી હતી.

ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં.કિશોરભાઈ તેની દીકરી માનસી સાસરે જતી હોવાથી તેને મુકવા માટે રેલવે સ્ટેશન ગયા હતાં. આ દરમિયાન 65 મિનિટમાં જ ત્રણ અજાણ્યા ઈસમોએ ચોરી કરી હતી. બાદમાં ત્રણેય તસ્કરો નાસી ગયા હતાં.ઘરમાં તો માત્ર 10 મિનિટ જ CCTVમાં આવ્યા છે.

ચોરી થઈ તે વખતે કિશોરભાઈનો દીકરો કેવલ ઘરમાં સૂતો હતો. 20 વર્ષમાં પહેલીવાર ચોરી થઈ હોવાનું જણાવતાં કિશોરભાઈએ કહ્યું હતું કે, અમને ચોરી જેવી બાબતની કોઈ શંકા નહોતી. આ વિસ્તાર ખૂબ સેફ છે થોડા જ અંતર 200થી 250 મીટર દૂર કોર્ટ આવેલી છે. બીજી તરફ બનાવની જાણ થતા ઘર માલિકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Latest Stories