દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન માત્ર ઉકાઈ ડેમ
ઉકાઈ ડેમમાં પાણીની ભયજનક સપાટી છે 345 ફૂટ
પાણીની આવક વધતાં રૂલ લેવલ કરતાં સપાટી વધી
ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું
તાપી નદીની આસપાસ-નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. પરંતુ પાણીની આવક વધતાં રૂલ લેવલ કરતાં સપાટી વધી ગઈ છે. જેથી ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં તાપી નદીની આસપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે સમગ્ર દિવસ વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત શહેરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55.15 ઈંચ થયો છે, જે 99 ટકા છે. તેવામાં ઉકાઈ ડેમની સપાટી 335.52 ફૂટ નોંધાય છે.
ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી રહી છે.
આ સ્થિતિને પગલે તાપી નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ માછીમારોને માછીમારી ન કરવા જવા અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ, તાપી નદીમાં પાણી આવક થતાં સુરતવાસીઓએ નવા નીરના વધામણાં પણ કર્યા હતા.