સુરત શહેરના ઈચ્છાપુરમાં ચાર વર્ષની આદિવાસી બાળા પર બળાત્કાર કરી હત્યાની કોશિશ કરવાના મામલે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 4 વર્ષની બાળકીનો રાત્રિ બે વાગ્યાના અરસામાં રડવાનો અવાજ આવતા પરિવાર ઊંઘમાંથી જાગી ગયો હતો.દીકરીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોંકી ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા દુષ્કર્મ થયું હોવાની જાણ થઈ હતી. પોલીસે પણ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો હતો.પરંતુ અવારનવાર બનતી બાળકીઓ પર થતી ઘટના અને એ પણ આદિવાસી સમાજની બાળકીઓ પર થતી ઘટનાથી આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.જેને લઈ આજરોજ ભરૂચ જિલ્લાના તમામ આદિવાસી આગેવાનો રેલી રૂપે કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી