ભરૂચના કસક ગરનાળાની લંબાઇ વધીને સાડા પાંચ મીટર થઇ ચુકી છે. ગરનાળાના રીનોવેશનની કામગીરી પુર્ણ થતાં તેને વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકી દેવાયું છે.હવે વડોદરાની જેમ કસક ગરનાળાની અંદર પણ હવે ડેકોરેશન કરાશે.
ભરૂચના કસક ગરનાળાને શહેરનું પ્રવેશ દ્રાર ગણવામાં આવે છે. 2016માં ભૃગુઋુષિ બ્રિજને ખુલ્લો મુકાયા બાદ કસક ગરનાળામાં વાહનોનું ભારણ સહેજ ઓછું થયું છે પણ 2016 પહેલાં ગરનાળામાં થતાં ટ્રાફિકજામનો અનુભવ મોટાભાગના શહેરીજનોએ કર્યો જ હશે. નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયા બાદ શીતલ સર્કલથી ગોલ્ડનબ્રિજને જોડતાં જુના રસ્તા પરથી પસાર થતાં વાહનોની સંખ્યા ઘટી ગઇ છે પણ આ સ્થળે ગુરૂદ્વારા તથા રહેણાંક મકાનો આવેલાં હોવાથી આ રોડને પહોળો કરવાનો નિર્ણય લેવાયો હતો. રોડની કામગીરી વેળા કસક ગરનાળાની પણ લંબાઇ વધારવામાં આવી છે. આશરે એક મહિના ઉપરાંતની કામગીરી બાદ ગરનાળાની લંબાઇ વધારીને સાડા પાંચ મીટર કરી દેવાય છે. શીતલ સર્કલથી ગોલ્ડનબ્રિજ સુધીનો રસ્તો પહોળો થતાં અનેક લોકોને રાહત સાંપડશે. બીજી તરફ કામગીરી પુર્ણ થતાં કસક ગરનાળાને પણ વાહનવ્યવહાર માટે ખુલ્લું મુકી દેવાયું છે. ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, રાજયના અન્ય શહેરોની જેમ કસક ગરનાળાને પણ સુશોભિત કરવામાં આવશે..