સુરત પોલીસની સેવાકીય કામગીરીની ચારે કોર પ્રશંસા થઈ રહી છે.નાગરિકોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાનું પાલન કરાવતી પોલીસે "મુસાફિર હું યારો" અભિયાન થકી ગુમશુદા લોકોનું પરિવારજનો સાથે મિલન કરાવીને ખાખીના રંગમાં સેવાનો રંગ ઉમેર્યો હતો.
સુરત શહેરના DCP ઝોન-3 પોલીસની ટીમ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે."મુસાફિર હું યારો" અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગુમશુદા લોકોનું પરિવારજનો સાથે મિલન કરાવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. DCP ઝોન-3 પોલીસની ટીમ દ્વારા આ અભિયાન અંતર્ગત રસ્તે રઝળતા લોકોને મળીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે,અને તેમના પરિવાર સુધી પહોંચીને ગુમશુદા લોકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવી રહ્યું છે,આ અભિયાન અંતર્ગત મહિધરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 25 વર્ષ અગાઉ આ વૃદ્ધ મહારાષ્ટ્રના સાંગલી થી સુરત આવ્યા હતા,અને રઝળપાટ કરતા હતા,તેઓની તબિયત નાદુરસ્ત લાગતા પોલીસે વૃદ્ધની પ્રથમ તો સારવાર કરાવી હતી,અને તેમના પરિવારજનોની માહિતી મેળવીને તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આમ સુરત DCP ઝોન-3 પોલીસ ટીમની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવીને પ્રશંસા કરી છે.