-
રત્નકલાકરોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ
-
હીરા મંદીથી રત્નકલાકારો આર્થિક ભીંસમાં મુકાયા
-
ડાયમંડ વર્કર યુનિયને કર્યું હડતાલનું એલાન
-
ઢોલ પીટીને હડતાલમાં જોડાવા કર્યું હતું એલાન
-
રત્નકલાકાર એકતા રેલી પણ યોજાઈ
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે.અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા.
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે.આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે. આજે જ્યારે મંદીનો માહોલ છે, ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે.તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે, જેના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.
બે સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્નકલાકારોના પગાર વધારા, હીરાના ભાવમાં વધારો કરવા અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોને ફી ભરવા, મકાનના હપ્તા ભરવા, મકાનના ભાડા ભરવા, આર્થિક પેકેજની માંગણી કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલા ન લેતા આખરે રત્નકલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.