નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો
જેલરની ઓળખ આપી બ્લેકમેઈલીંગનો મામલો
કેસમાં ફસાયેલ આરોપીની પત્નીને કર્યો હતો ફોન
જેલમાં સુવિધા આપવાનું કહી પડાવ્યા હતા પૈસા
અમદાવાદ LCB પોલીસે ભેજાબાજની ધરપકડ કરી
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતો ભેજાબાજ રાજેશ ત્રિવેદી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે TVમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા-સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો. જેમાં આરોપીની પત્નીને ફોન કરી તેના પાસેથી જેલમાં સુવિધાના નામે 15 હજાર રૂપિયા ઉલેચવામાં આવ્યા હતા.
અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને આરોપી ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. એટલું જ નહીં, સુરત લાજપોર જેલના જેલરના નામે રૂપિયા માંગતો ઓડિયો વાયરલ થતાં સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ત્યારે અમદાવાદ LCB પોલીસે બાતમીના આધારે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી અલગ અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના ATM સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ અમદાવાદ LCB પોલીસે આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.