શહેર-જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં વરસ્યો ભારે વરસાદ
ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા
શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા કરાતું સતત મોનિટરિંગ
CP સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા 2 દિવસ વરસેલા ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે, ત્યારે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું રહ્યું છે, જ્યારે પોલીસ કમિશનર સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને પોલીસ વિભાગ પણ કામગીરી કરી રહી છે, ત્યારે ખાડીપૂરના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી.
સુરત શહેર તથા જીલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત પોલીસ કમિશનરે લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને ખાસ કરીને બાળકોને પાણી ભરાયું હોય તેવી જગ્યાએ નહીં જવા દેવા અપીલ કરી હતી. વધુમાં મુશ્કેલી પડે અને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અસરથી પોલીસ કંટ્રોલને સંપર્ક કરવા જણાવ્યુ હતું.
તો બીજી તરફ, ભારે વરસાદના કારણે સુરતની સીમાડા ખાડી ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યાં 24 કલાકથી પણ વધુ સમય ઘરમાં પાણી ભરાય રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, બીજા દિવસે વરસાદે આંશિક વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા. આ તરફ, સુરતના મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. ખાડીનું લેવલ ઓવર ફ્લો થયું હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આખા જૂન મહિનામાં પડે તેટલો વરસાદ માત્ર 2 દિવસમાં પડ્યો હોવાનું મેયરે જણાવ્યું હતું, ત્યારે રોગચાળો ન ફાટી નીકળે તે માટે પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવા પાલિકા તંત્રને આદેશ આપ્યો હતો.