/connect-gujarat/media/post_banners/bb976d669b3bccc9fa9b8d10a06d5bdd6b893edb801b8d15e18c9674d9a3c326.jpg)
સુરતમાં નશાકારક પ્રવૃત્તિને ડામવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે શહેરના નિયોલ ચેકપોસ્ટ નજીકથી સારોલી પોલીસે ચરસ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરના સચોટ માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ હંમેશા નશાકારક દ્રવ્યોને શહેરમાં લાવનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. તેવામાં સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા નિયોલ ચેકપોસ્ટ ખાતેથી એક યુવક ચરસનો જથ્થો લઈ સુરત આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી સુરત ચરસની ડિલિવરી કરવા આવેલા એક યુવકની સારોલી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ યુવક ઇન્દોરનો રહેવાસી ફેઝલ ઉર્ફે સીએનજી સફીખાન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી 475 ગ્રામ ચરસ જેની અંદાજિત કિંમત 70 હજારથી વધુ થાય છે. સાથે જ યુવકની તલાશી લેતા 1000 રોકડા, એક મોબાઈલ ફોન અને ટ્રાવેલિંગ બેગ મળી 79,250 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.