-
વરિયાવ બ્રિજ ઉપર યુવક પહોચ્યો હતો આત્મહત્યા કરવા
-
જાણ થતાં જ સિંગણપોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો
-
સમય સૂચકતા વાપરી પોલીસ દ્વારા યુવકને બચાવી લેવાયો
-
યુવકને પોલીસ મથકે લાવી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
-
આર્થિક તંગીથી કંટાળી આપઘાતનો કર્યો હતો પ્રયાસ : પોલીસ
સુરત શહેરમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલા યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો, જ્યાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લઈ પોલીસ મથકે કાઉન્સેલિંગ કર્યું હતું.
હાલના કપરા સમયમાં ધંધા-રોજગાર, વેપારમાં મંદી સહિત અને પ્રકારની સમસ્યાઓના કારણે સર્જાતી માનસિક તાણના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યાં છે, ત્યારે સુરત શહેર તથા જીલ્લામાં આત્મહત્યાના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, શહેરના વરિયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે.
જેના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગ કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડ્યું હતું. રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા. યુવક સતત આપઘાતનું રટણ કરી રહ્યો હતો, ત્યારે પોલીસ કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવ્યો હતો, આ દરમિયાન રેલિંગની નજીક આવતા જ રેલિંગની બહારથી યુવકને પકડી લીધો હતો.
સમયસૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાળી તાર ફેન્સિંગ ટપીને આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાનને પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં યુવકે આર્થિક તંગીથી કંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યુ હતું, ત્યારબાદ પોલીસે યુવક સમજાવી તેના પરિવારને સોંપ્યો હતો.