સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે ચગદાઈ ગયો હતો. જેને લઇ બાળકીનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું.
સુરતના સરથાણા વિસ્તારમાંથી ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે. જ્યાં પિતાની નજર સામે તેની બે વર્ષીય માસૂમ બાળકીનું પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના નવાપાડા પાલ ગામ ખાતે રહેતો સિંગાડીયા પરિવાર બે માસ પહેલા સરથાણા જકાતનાકા પાસે આવેલા નેચરપાર્કની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આવ્યો હતો. આ પરિવારમાં મુકેશ સિંગાડીયા તેમની પત્ની રંગાબાઈ તેમજ ભત્રીજો સુરેશ સુરમલ સિંગાડીયા તેમની પત્ની પૂજા અને તેમના બે નાના બાળકો સરથાણા નીચે પાર્ક પાસે જ રહેતા હતા. જેમાંથી શ્રમિક સુરેશ સિંગડિયા ટ્રેક્ટર ચલાવતો હતો. દરમિયાન પોતાના જ ટ્રેક્ટરમાં પોતાની બે વર્ષે બાળકી પ્રિયંકા ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા મોતને ભેટી છે. જેને લઇ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ટ્રેક્ટરનું વ્હિલ ફરી વળતાં માથાનો ભાગ ચગદાઈ ગયો હતો. જેને લઇ માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ત્યારે ઘટના અંગે સરથાણા પોલીસની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃત બાળકીને સ્મીમેરના ખાતે પી એમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.