અમરોલીમાં 3 વર્ષના બાળકના અપહરણનો મામલો
ટ્રેનના ટોયલેટમાંથી મળી આવ્યો છે બાળકનો મૃતદેહ
CCTV ફૂટેજના આધારે પોલીસને બાળકની ભાળ મળી
સગા માસિયાઈ ભાઈએ જ કર્યું હતું અપહરણ : પોલીસ
પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જે બાદ બાળકના મૃતદેહને ખભા પર લટકાવી મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પર ફરતો CCTVમાં જોવા મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
મૂળ બિહારના સિવાન જિલ્લાના બરહાન ગોપાલ ગામનો વતની અને હાલ સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈ ખાતે નોકરી કરી રહ્યા છે, જ્યારે તેમની પત્ની દુર્ગાવતી કુમારી અને તેમનો 3 વર્ષનો પુત્ર આકાશ ઉર્ફે આરવ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા.
એક સપ્તાહ પહેલાં દુર્ગાવતી કુમારીની મોટી બહેન રબડી અને તેનો દીકરો વિકાસકુમાર બીશુંનદયાળ શાહ સુરત રહેવા આવ્યા હતા. આ દરમ્યાન 3 વર્ષીય માસૂમ બાળક આકાશની તેના જ માસિયાઈ ભાઈ વિકાસકુમારે અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી વિકાસે 22મી ઓગસ્ટના રોજ સુરતથી દાદર સુધીની મુસાફરી કરી હતી. તે દિવસે સાંજે દાદર સ્ટેશન પર તેના મોબાઇલનું છેલ્લું લોકેશન મળ્યું હતું.
ત્યારબાદ તે આકાશના મૃતદેહને લઇને લોકલ ટ્રેનમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ગયો હતો. મૃતદેહ સાથે મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. રાત્રે 1.04 વાગ્યે કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી હતી. જેમાંથી તમામ મુસાફરો ઉતરી ગયા બાદ આરોપીએ ખાલી ટ્રેન જોઈ બાળકના મૃતદેહને ટ્રેનના ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી મૃતદેહને ખભા પર લઈ ફરતો જોવા મળ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, બાળકનું મૃત્યુ ગળું દબાવીને કરાયું હતું. તેના ગળામાં જે દોરો હતો, તેનાથી જ ગળું દબાવવામાં આવ્યું છે. જેના કારણે ગળું કપાઈ જવાથી બાળકનું મૃત્યુ થયું છે. પોલીસને આરોપીની માનસિક બીમારી અંગેની ફાઇલ પણ મળી છે. જેની ખરાઈ માટે તબીબ પાસે મોકલવામાં આવી છે. મુંબઈમાં આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ માટે અમરોલી પોલીસની 2 ટીમ અને ક્રાઈમ બ્રાંચની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે, ત્યારે હાલ તો પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.