Connect Gujarat
સુરત 

સુરત : ધોરણ 9 થી 12ના વર્ગો શનિવારથી શરૂ કરી જ દેવાશે, સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી, બે વર્ષ ઉપરાંતથી ચાલી રહયું છે ઓનલાઇન શિક્ષણ.

X

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલકો હવે સરકારના નિર્ણયની રાહ જોવા તૈયાર નથી. સરકાર કોઇ નિર્ણય લે કે ન લે સ્વનિર્ભર શાળાઓમાં શનિવારથી ધોરણ 9 અને 12ના વર્ગો શરૂ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજયમાં કોરોનાના કહેરના કારણે શિક્ષણકાર્યને સૌથી વધારે અસર પહોંચી છે. કોરોના બાદથી ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધી ગયો છે પણ ઓનલાઇન શિક્ષણ ઓફલાઇન શિક્ષણ કરતાં વધારે કારગત ન હોવાનું લોકો માની રહયાં છે. કોરોનાના કેસો ઘટવા લાગતાં શાળાઓ ધીમે ધીમે શરૂ થવા લાગી છે પણ હજી ધોરણ -9 થી 12ના વર્ગો ચાલુ કરવા માટે મંજુરી આપવામાં આવી નથી. સ્વનિર્ભર શાળા સંચાલકોનું કહેવું છે કે, સરકારે બાગ-બગીચાઓ, ઉદ્યોગો, જીમ સહિતની બધી વસ્તુઓ ખોલવા માટે મંજુરી આપી દીધી છે પણ ધોરણ-9 થી 12ના વર્ગો અંગે નિર્ણય લેવાયો નથી.

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલકોની બેઠક મળી હતી. જેમાં સરકાર પરવાનગી આપે કે ન આપે શનિવારથી ધોરણ -9 થી 12ના વર્ગો શરૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો ધોરણ -9 થી 12ના વર્ગો શરૂ કરવા માટે મકકમ છે ત્યારે સરકાર શું નિર્ણય લે છે તે હવે જોવાનું રહયું.

Next Story