/connect-gujarat/media/post_banners/8e5b3cdfe21a4f1ba72f1a47fb694c0a2196e97b9df5aae8919cce6148f3ef28.jpg)
સુરત શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં પિતા તેમની 3 માસની બાળકીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા, ત્યારે છત પરના ચાલુ પંખાની પાંખ લાગી જતા બાળકીનું મોત નીપજ્યું હતું. વ્હાલસોઈ દીકરીના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ભુસાવળ-વરણગાવના વતની અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાનપુરા ખાતે રહેતા નસરૂદ્દીન શાહ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નસરૂદ્દીન શાહ સાથે પત્ની નાઝીયા ઉપરાંત 4 સંતાન રહે છે. નસરૂદ્દીન શાહ પોતાની 4 માસની બાળકી ઝોયાને ઘરમાં ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા. આ દરમિયાન ઘરના છત પર લાગેલ ચાલુ પંખાની પાંખમાં બાળકીનું માથું લાગી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ટૂંકી સારવાર બાદ વ્હાલસોઈ દીકરીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિન પ્રતિદિન નાના બાળકો રમતા રમતા મકાનની ગેલેરીમાંથી પડી જવાથી કે, રમતા રમતા પાણીના ટબમાં પડી જવાથી મોત નીપજવાના કિસ્સા બનતા આવ્યા છે, ત્યારે વાલીઓ માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાંથી સામે આવ્યો છે.