અઠવાલાઇન્સ વિસ્તારમાંથી સામે આવી હત્યાની ઘટના
ભાઈબીજના દિવસે જ સબંધોને લાંછન લગાડતી ઘટના
બનેવી ભાણીને માર મારતા સાળાએ આપ્યો હતો ઠપકો
બનેવીએ પારિવારિક ઝઘડામાં સાળાની હત્યા કરી નાખી
પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાર્યવાહી આદરી
સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાઈબીજના પવિત્ર દિવસે જ સબંધોને લાંછન લગાડતી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક બનેવીએ સામાન્ય પારિવારિક ઝઘડામાં પોતાના સાળાની હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા શનિવાર બજાર, ધક્કા ઓવારા ખાતે રહેતા 27 વર્ષીય યુવક સુરેશ રાઠોડ પર તેના બનેવી લાલા વસાવાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક સુરેશ રાઠોડ ઓનલાઇન ઝોમેટોમાં નોકરી કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આરોપી બનેવી લાલા વસાવા પણ મૃતક સુરેશના ઘરની બાજુમાં જ રહેતો હતો.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, લાલા વસાવા અવારનવાર તેની ભાણી મૃતક સુરેશની ભત્રીજીને માર મારતો હતો, જ્યારે બનેવી ભાણીને માર મારતો હતો, ત્યારે સાળા સુરેશ રાઠોડે બનેવીને આ બાબતે ટકોર કરી હતી અને ન મારવા જણાવ્યું હતું.
બનેવી લાલા વસાવાને સાળાની આ વાતનું માઠું લાગી આવતા, તેણે વેર વાળવાનું નક્કી કર્યું હતું, અને ગુસ્સામાં આવી લાલા વસાવાએ મોડી રાત્રે ઊંઘમાં જ પડેલા સાળા સુરેશ રાઠોડના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા સુરેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બાદ આરોપી બનેવી લાલા વસાવા ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી લાલા વસાવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.