સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ દોડી આવેલા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટના ફ્લેટ નંબર 202માં રહેતા સંજય કેવલરામ નારણ બહારથી દરવાજો બંધ કરી બહાર ગયા હતા. ત્યાર બાદ અચાનક ઘરમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઇ આજુબાજુના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાના જીવ બચાવી બિલ્ડીંગના ધાબા પર દોડી ગયા હતા. આગની ચપેટમાં આજુબાજુના 201, 203 અને 204 નંબરના ફ્લેટ પણ આવી ગયા હતા. તો બીજી તરફ બનાવની જાણ થવાની સાથે જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, 30થી વધુ લોકોના રેસક્યુ કરીને બચાવ કરવામાં આવ્યો હતો. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધાબા પર રોકાયેલા તમામ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. તો આગની ઘટનામાં 202, 203 અને 204 નંબરના ફ્લેટમાં રહેલ ઘર સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે અન્ય ફ્લેટોમાં પણ ભારે નુકસાન થયું હતું.
મહત્વની વાત એ છે કે, એક વર્ષ પહેલા લોકો આ ફ્લેટમાં રહેવા આવ્યા હતા અને બિલ્ડરે લોકોને પ્રાથમિક સુવિધા આપ્યા વગર જ ફ્લેટોનો કબજો શોપી દીધો છે, ત્યારે સ્થાનિકો બિલ્ડર ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે, બિલ્ડરે હજુ સુધી પાણીની લાઇન આપી નથી. ફાયર સેફટી માટે NOCની જરૂરત હોય છે, ત્યારે બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારની NOC લેવામાં આવી નથી. તેમજ સુડા પાસેથી BUC પરમિશન પણ લીધી નથી.