-
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીથી રત્નકલાકરોની મુશ્કેલી વધી
-
મંદીના મારને પહોંચી વળવા માટે યુવાને શોધ્યો નવો માર્ગ
-
પોતાની કાર લઈને શરૂ કર્યો દહીંવડાનો વ્યવસાય
-
ભારે સંઘર્ષ બાદ સફળતાની સીડીને સર કરી
-
વિક્કી સોની બન્યો અન્ય લોકો માટે પ્રેરણાસ્તોત્ર
સુરત શહેર એટલે હીરા નગરી પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે અનેક રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે.આવાજ એક રત્નકલાકારે જ્યારે હીરામાં તેજી હતી,ત્યારે 9 લાખની કાર લીધી હતી. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આ યુવાનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ હતી,જોકે તેને હિંમત ન હારીને દ્રઢ સંકલ્પ સાથે કાર લઈને દહીંવડાનો વ્યવસાય શરૂ કર્યો છે,અને બે પાંદડે થવાના પ્રયત્ન સાથે અન્યો માટે પ્રેરણારૂપ બન્યો છે.
સુરતમાં રોડ પર એક યુવક 9 લાખની કારમાં આવીને દહીંવડા વેચતો હોય તો કોઈને પણ આશ્ચર્ય થાય.આ યુવક છેલ્લા બે વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહીંવડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી.જોકે મંદીના કારણે નોકરી છૂટી જતા દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું. દહીંવડા વેચીને જ હાલા યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા છે.તેથી મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે આ યુવાન પ્રેરણારૂપ બન્યો છે.યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે.
સુરતના રાંદેર વિસ્તાર 34 વર્ષીય વિક્કી સોની પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે.વર્ષોથી સુરતમાં રહે છે અને 2014માં ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. આઠ વર્ષ એટલે કે 2022 સુધી હીરામાં નોકરી કરી હતી.7000 પગારથી શરૂ કરીને 30000 સુધી પહોંચ્યો હતો.જોકે 2022માં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી.વિક્કી સોનીએ જણાવ્યું હતું કે 2022માં હીરાની મંદીના કારણે મારો પગાર અડધો થઈ ગયો હતો. જેમાં મારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ હું ભાડાના મકાનમાં રહું છું. 2021માં પગાર પણ સારો હોવાથી અને મધ્યમવર્ગીય લોકોને કાર લેવાનો સપનું હોય છે.જેથી મેં 2021ના અંતમાં ટાટા કંપનીની 9 લાખની પંચ કારનો હપ્તેથી લીધી હતી.ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું,જોકે ત્યારબાદ મંદીના કારણે મારી નોકરી છૂટી ગઈ હતી.
નોકરી છૂટી ગયા બાદ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.જોકે તેની પત્નીના સહયોગના કારણે તે હિંમત હાર્યો ન હતો.રોડ પર દહીંવડા વેચવાનો વિચાર કર્યો અને રાંદેરમાં રોડ પર જ સાંજના સમયે બે કલાક દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું.થોડા સમય સંઘર્ષ કરવો પડ્યો હતો.પત્નીના પણ ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો હતો. ત્યારબાદ આખો દિવસ દહીંવડા વેચવાનું શરૂ કરી દીધું હતું.હાલમાં દહીંવડાંના એક ડબ્બામાં 50 રૂપિયાના દહીંવડા વેચે છે,અને રોજના લગભગ 150 થી 200 જેટલા ઓડૅર તે પુરા કરે છે.વિક્કી સોનીના આ એક પ્રયત્નએ તેમના પરિવારના સારી રીતે ભરણપોષણ સાથે કારના હપ્ત પણ ભરી દીધા છે,અને તેના માટે આ કાર એક લકીચાર્મ બની ગઈ છે.
વિક્કી સોની આર્થિક મંદીમાં ભીંસાતા અને હિંમત હારીને ન ભરવાનું પગલું ભરતા લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે,બસ જરૂર છે થોડા સાહસ,સંઘર્ષ અને મહેનતની,જો દ્રઢ સંકલ્પ સાથે સારો માર્ગ પસંદ કરવામાં આવે તો મોડે મોડે પણ એક દિવસ સફળતા જરૂર પ્રાપ્ત થાય છે,જેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે વિક્કી સોની.