/connect-gujarat/media/post_banners/121fb1f1e26dae5b9a2f4462a179d8ad93922fd23d3724c2dba6427a85315325.webp)
ગુજરાતમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા છે ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું છે. સુરતમાં બાઈક પર સવાર બે ભાઈઓમાંથી એકનું હોસ્પિટલમાં મોત થયું છે. સુરતના માસમાં ખાતે રહેતા મિશ્રા પરિવારના બે ભાઈઓ ગત રોજ બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. સરોલી-માસમાં રોડ પરથી બાઇક લઈ પસાર થતાં હતા ત્યારે 22 વર્ષીય તુષાર મિશ્રા અને મોટા ભાઈ ગૌરવ મિશ્રાને અકસ્માત નડ્યો હતો. મૃતક તુષાર મિશ્રા ડાયમંડ કંપનીમાં રત્ન કલાકાર પરિવારમાં પિતા અને બે ભાઈઓ છે. પરિવારમાં તુષાર મિશ્રા નાનો ભાઈ છે. મૃતકના મિત્ર વર્તુળ પાસેથી મળતી જાણકારી અનુસાર,બંને ભાઈઓ કામેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે વેળાએ આ અકસ્માત નડ્યો હતો.સામેથી આવી રહેલા વાહનના લાઈટનો પ્રકાશ તુષારની આંખો પર પડતા એકાએક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી રસ્તા વચ્ચેથી પસાર થતાં ઢોર સાથે બાઈકનો અકસ્માત થયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તુષારનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારે ગૌરવને હાથના ભાગે ફ્રેક્ચર થતાં હાલ સારવાર હેઠળ છે. તુષારના મોતના પગલે પરિવારમાં હાલ શોકનો માહોલ છે. તુષારના લગ્ન હાલ જ થયા હતા અને પત્ની હાલ વતનમાં રહે છે.