Connect Gujarat
સુરત 

સુરત : બાળકી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન "કારાવાસ", 29 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો

ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 29 દિવસમાં જ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

X

સુરતની પોસ્કો કોર્ટે ન્યાયતંત્રના ઇતિહાસમાં ચોથો સૌથી ઝડપી ચુકાદો આપ્યો છે. ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 29 દિવસમાં જ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે...

સામાન્ય રીતે કોર્ટ અને કચેરી વિશે એક માન્યતા છે કે બેમાંથી કોઇ એકના પગથિયા ચઢો એટલે તમારા ચંપલ પણ ધસાઇ જાય.. પરંતુ સુરતની પોસ્કો કોર્ટે આપેલાં એક ચુકાદાએ આ માન્યતાને ધરાર ખોટી સાબિત કરી છે. સુરતની પોસ્કો કોર્ટે દેશના ન્યાયતંત્રમં નવી મિસાલ ઉભી કરી છે. માત્ર ચાર વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમને માત્ર 29 દિવસમાં જ કોર્ટે સંજા સંભળાવી દીધી છે. કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂરી કરીને બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચલાવીને આરોપીને સજાનો ચુકાદો આપ્યો છે.

ગત 12 ઓક્ટોબરે સુરતની સચિન જીઆઈડીસીમાં ઝાડીઓ વચ્ચેથી એક બાળકી મળી આવી હતી. આ બાળકીની હાલત ઘણી ગંભીર હતી અને બાળકી જયારે મળી ત્યારે તે દર્દથી કણસી રહી હતી. માસુમ બાળકીને કોઇ નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસની તપાસમાં હનુમાન નિસાદ નામનો ઇસમ બાળકીને પોતાની સાથે લઇ જતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. પોલીસે આરોપીને બનાવના 24 કલાકમાં ઝડપી લીધો હતો.

સામાન્ય રીતે કોઇ પણ ગુનો બન્યાંના 90 દિવસમાં પોલીસે ચાર્જશીટ કરવાની હોય છે પણ સુરત પોલીસે આ કેસની ગંભીરતા પારખી હતી અને માત્ર 10 જ દિવસમાં તમામ પુરાવાઓ સાથે ચાર્જશીટ ફાઇલ કરી દીધી. આ કેસમાં પોલીસ અને ન્યાયતંત્રએ કરેલી કામગીરી પર નજર નાંખવામાં આવે તો 10મી ઓકટોબરે ગુનો બન્યો હતો અને જિલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુશનના અસલ કેસ કાગળો 22 ઓક્ટોબરે આપવામાં આવ્યા હતા. ત્યારપછીના બે દિવસમાં આખી મેટર તૈયાર કરી 25 ઓક્ટોબરે આ કેસમાં ચાર્જ અને દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. 3 સાક્ષીઓની ઓળખ પરેડ કરાઈ હતી અને 60 સાક્ષીઓના 164 મુજબના નિવેદન સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી.

પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ વી. કે. વ્યાસ અને એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એસ. કાલાનીએ કોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખીને ટ્રાયલ ચલાવવામાં આવી હતી. પાંચ દિવસ સુધી ચાલેલી ટ્રાયલ બાદ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં આરોપી હનુમાન નિષાદને આજીવન કારાવાસની સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરતની પોસ્કો કોર્ટે આપેલો ચુકાદો દેશનો ચોથો સૌથી ઝડપી ચુકાદો છે. રાજયના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ ઐતિહાસિક ચુકાદાને આવકાર્યો છે. આવો જોઇએ શું કહયું કાયદા મંત્રીએ....

Next Story