સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું છે. ચોરીના આરોપસર પકડાયેલા એક ઇસમને જાહેરમાં ફટકારતો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા ગાર્ડ દ્વારા ચોરીના આરોપીને તમાચા ઝીંકી ખેંચીને લઈ જવામાં આવે છે.
વાઇરલ થઈ રહેલા વિડિયોમાં સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવી જાહેરમાં માર મારી રહી છે. વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા ગાર્ડના જણાવ્યા અનુસાર, પકડાયેલો ઈસમ ચોર છે, અને ચોરી કરતા રંગેહાથ પકડાયો હતો. એટલું જ નહીં, પણ વારંવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓના કિંમતી સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે, ત્યારે આ ચોર ઈસમ દુર્વ્યવહાર કરતા મહિલા ગાર્ડ દ્વારા તેને જાહેરમાં ફેરવીને શબખ શીખવાડ્યો હતો. જોકે, આ બાબતે નજરે જોનારા લોકોએ તમાચા મારતી મહિલા ગાર્ડનું રણચંડી સ્વરૂપ પહેલી વાર જોયું હોવાથી ચોંકી ગયા હતા, ત્યારે મહિલા ગાર્ડની હિંમતને બિરદાવી ચોરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવા આ જ એક રસ્તો હોવાનું પણ ઘણા લોકોનું માનવું છે.