સુરત શહેર તથા જીલ્લામાં રખડતા ઢોર અંગે કોર્ટના આદેશ બાદ પાલિકાએ રખડતા ઢોર પકડવા હાથ ધરેલી ઝુંબેશમાં છેલ્લા 15 દિવસમાં 694 રખડતાં ઢોર પકડી પાંજરે પૂર્યા હતા.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરતમાં કોર્ટના આદેશ બાદ મનપાના માર્કેટ વિભાગે 22 ટીમ રખડતા ઢોર પકડવા માટે ઉતારી હતી. જેમાં 9-9 ટીમ સવાર અને બપોર એમ 2 પાળીમાં કામગીરી કરી રહી છે, જ્યારે 2 ટીમ રાત પાળીમાં કામે લાગી છે. જે અંતર્ગત એક ટીમે કુલ 22 રખડતા ઢોર પકડ્યા હતા, અને છેલ્લા 15 દિવસમાં 694 રખડતા ઢોર પકડાયા છે. તો બીજી તરફ, પાલિકાએ ગેરકાયદે તબેલાઓ દૂર કરવાની કામગીરી પણ ફરી એકવાર આક્રમક બનાવી છે. જેમાં વરાછાના વિવિધ વિસ્તારોમાં આવેલ 2 ગેરકાયદે તબેલાઓ હટાવી 29 પશુઓને પકડવામાં આવ્યા હતા. જોકે, તબેલા હટાવતા રસ્તો ખુલ્લો થયો હતો, જ્યારે પબ્લીક યુટીલીટી હેતુ માટેનો પ્લોટનો કબજો લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસમાં ઉધના ઝોનમાં 4, રાંદેર ઝોનમાં 2 અને વરાછા ઝોનમાં 2 મળી કુલ 8 જગ્યા પર ગેરકાયદે તબેલા દૂર કરવામાં આવ્યા છે.