Connect Gujarat
સુરત 

સુરત : યુટ્યુબ પર વિડિયો જોઈ રત્નકલાકારે ચલાવી જ્વેલર્સમાંથી 5 સોનાની ચેનની લૂંટ, કારણ જાણી ચોંકી ઊઠશો..!

મરચાની ભૂકી કાઢી જ્વેલર્સના માલિકની આંખમાં છાંટી દીધી હતી. ત્યારબાદ મોકો જોઈને સોનાની 5 ચેન લઈને આરોપી ફરાર થઈ ગયો હતો.

X

સુરત શહેરના એક રત્નકલાકારે કતારગામ વિસ્તારમાં આવેલ જ્વેલર્સ શોપના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી 5 સોનાની ચેનની લૂંટ ચલાવી હતી, ત્યારે પોલીસે CCTVના આધારે લૂંટારાની ધરપકડ કરી હતી. રત્નકલાકારને દેઉ વધી જતાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ આંબા તલાવડી નજીક મારુતિ નંદન સોસાયટીમાં એક જ્વેલર્સની દુકાનમાં હિતેશ વસાણી નામનો એક રત્નકલાકાર ગત ગુરૂવારના રોજ સવારના સમયે ગ્રાહક બનીને પહોચ્યો હતો. હિતેશ વસાણીએ જ્વેલર્સના માલિકને સોનાની ચેન બતાવવાનું કહ્યું હતું. તેથી જ્વેલર્સના માલિકે 5 જેટલી ચેન હિતેશ વસાણીને બતાવી હતી. જોકે, હિતેશ વસાણીના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું,

અને તેને સોનાની ચેન જોતા એકાએક જ પોતાની પાસે રહેલ એક બેગમાંથી મરચાની ભૂકી કાઢી જ્વેલર્સના માલિકની આંખમાં છાંટી દીધી હતી. ત્યારબાદ મોકો જોઈને સોનાની 5 ચેન લઈને હિતેશ વસાણી ફરાર થઈ ગયો હતો. જોકે, જ્વેલર્સનો માલિક હિતેશ વસાણીને પકડવા તેની પાછળ દોડ્યો હતો, પરંતુ હિતેશ વસાણી હાથે લાગ્યો ન હતો, ત્યારે આ સમગ્ર ઘટના જવેલર્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. તો બીજી તરફ જ્વેલર્સના માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ મામલે પોલીસ લૂંટ ચલાવનાર હિતેશ વસાણીના ભાઈ સુધી પહોંચી હતી,

અને ત્યારબાદ હિતેશ વસાણીની ધરપકડ કરવામાં આવી હતી. હિતેશ વસાણીએ રૂપિયા 3.77 લાખની સોનાની 5 ચેનની ચોરી કરી હતી. પરંતુ જ્યારે તે પકડાયો, ત્યારે તેની પાસેથી ફક્ત 3 ચેન મળી આવી હતી. જેથી પોલીસે હિતેશ વસાણીની ધરપકડ કરી રૂપિયા 2.37 લાખની 3 સોનાની ચેન અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના પર 5 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેથી આ દેવું ચૂકવવા માટે તેણે યુટ્યુબ પર એક વીડિયો જોઈને લૂંટની ઘટનાને અંજામ આપવાનો કારસો ઘડ્યો હતો.

Next Story