શહેરમાં અસામાજિક તત્વોનો આતંક
ઘર બહાર પાર્ક કરેલ વાહનોને લગાવી આગ
અંગત અદાવતમાં વાહનોમાં લગાવી આગ
પોલીસે સીસીટીવીના આધારે કરી તપાસ
ઘટનામાં ત્રણ તોફાની તત્વોની ધરપકડ
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યું હતું.અને અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ તોફાનીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બ્રેડ લાઇનર સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષાચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ભોગ બનનાર અનિલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા તે તપાસતા અણુવ્રત દ્વાર પાસેના સીસીટીવી ફૂટેજમાં તેઓ પેટ્રોલ ખરીદતા હોવાનું નજરે પડ્યું હતું.
ઘટનાની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.આર. રબારી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનું હથિયાર સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા.
સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફૂટેજમાં દેખાયું હતું કે રાત્રે આશરે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો બાઇક પર સવાર થઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે. તેઓએ અત્યંત ઠંડા કલેજે મોપેડ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તેને આગ ચાંપી દીધી હતી. આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની હિલચાલ કેદ થતા પોલીસને તપાસની ચોક્કસ દિશા મળી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં કુણાલ બાબુરાવ સાળુંકે,યશ સુરજ પ્રસાદ પટેલ,રાહુલ દિલીપ ચૌહાણનો સમાવેશ થાય છે.