સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
જેના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. જેથી ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના 7 પોઇન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે, ત્યાં તમામ ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇ વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.
ગત તા. 30 જુલાઈ, 2024ના રોજ સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વળી ગયો હતો. આ ઘટનાને આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે સુરતીઓ ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે. આમ 23 જુલાઈએ ખાડી પૂરમાં ફસાયેલા સુરતીઓ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયા છે. આ બન્ને માનવ સર્જિત ઘટનાના કારણે 8 દિવસમાં 2 વાર સુરતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હાલ સારોલી મેટ્રો બ્રિજનો ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
જેના પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. આ દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઇન્ટ સુધી જનાર 7થી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ મુકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં મજુરાગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ અને કમેલા દરવાજા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો બીજી તરફ, તંત્રના આ અણઘડ નિર્ણયથી સિટી બસના મુસાફરો તેમજ સ્કૂલ બસના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈપણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ-ધંધે નીકળેલા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.