Connect Gujarat
સુરત 

સુરત: બારડોલીમાં ભાઈએ જ કૌટુંબિક ભાઈઓ પર ચપ્પુ વડે કર્યો હુમલો, જુઓ CCTV ફૂટેજ

સુરતના બારડોલીના રામજી મંદિર નજીક યુવાને પોતાના જ બે ભાઈઓને ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

સુરત: બારડોલીમાં ભાઈએ જ કૌટુંબિક ભાઈઓ પર ચપ્પુ વડે કર્યો હુમલો, જુઓ CCTV ફૂટેજ
X

સુરતના બારડોલીના રામજી મંદિર નજીક યુવાને પોતાના જ બે ભાઈઓને ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

બારડોલીના રામજીમંદિર પાસે ખાડામાં રહેતો માથાભારે યુવાન અરબાઝ રફીકભાઈ મન્સૂરીએ ફરી એક વખત ખુલ્લેઆમ ચપ્પુ લઈ આતંક મચાવ્યો હતો. અગાઉ ચોરી, મારામારી સહિતના ગુનાઓમાં પોલીસના ચોપડે ચડેલા એવા માથાભારે અરબાઝે નજીવી બાબતે મારામારી કરી હતી. અરબાઝે પોતાના જ કૌટુંબિક ભાઈ એટલે કે કાકાનાં છોકરા સાથે મિત્રની બહેનને શા માટે જોઈ છે તેવું કહી ધક્કામુક્કી શરૂ કરી હતી. જે બબાલ રામજી મંદિર નજીક બહાર રોડ પર પહોંચી હતી. જ્યાં બંન્ને ભાઈઓએ ખુલ્લા હાથની મારામારી કરી હતી. બાદમાં ભાઈગીરી કરવા ટેવાયેલા અરબાઝ મન્સૂરીએ પોતાના ખિસ્સામાં રાખેલું ચપ્પુ કાઢી હશન મન્સૂરીને પેટના તેમજ છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. જે મારામારી જોઈ ફુવા સફી શેખ, તેમજ તેમનો પુત્ર અલ્ફાઝ શેખે વચ્ચે આવી તેને મારામારીમાંથી છોડાવવા પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન માથાભારે અરબાઝે ફોઈના છોકરા અલ્ફાઝને પણ પેટના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો. બાદમાં અરબાઝે નજીકમાં પડેલ લાકડાનો સપાટો ઊંચકી ફુવાને પણ હાથના ભાગે માર માર્યો હતો.

મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત બંન્ને યુવાનોને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ માથાભારે અરબાઝે ભાઈઓને જ માર મારી ચપ્પુના ઘા મારવાની આખી ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ છે. ઘટના બાબતે બારડોલી પોલીસને જાણ થતાં પોલીસ અરબાઝની અટકાયત કરવા પહોંચી હતી. ત્યારે માથાભારે અરબાઝે પોતાના હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story