Connect Gujarat
સુરત 

સુરત : જનમેદની સાથે શક્તિ પ્રદર્શન યોજી ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ભર્યું નામાંકન

મજૂરા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશાળ ભવ્ય સંમેલન યોજાયું હતું. આ તકે મોટી સંખ્યામાં મજુરા વિધાનસભાના ભાજપના કાર્યકરો જોડાયા હતા.

X

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત ખાતે ભાજપના મજૂરા બેઠકના ઉમેદવાર હર્ષ સંઘવી, વરાછા બેઠકના ઉમેદવાર કુમાર કાનાણી તેમજ આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા સહિતના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે સુરત મજૂરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. મજૂરા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશાળ ભવ્ય સંમેલન યોજાયું હતું. આ તકે મોટી સંખ્યામાં મજુરા વિધાનસભાના ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોતા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ જંગી લીડ સાથે જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો.

તો આ તરફ, સુરતની વરાછા બેઠકના ઉમેદવાર કુમાર કાનાણી પણ ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. કુમાર કાનાણી ઘોડી પર સવાર થઈ ઉમેદવારી પત્ર ભરવા નીકળતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિજય રૂપાણી સરકારમાં કુમાર કાનાણી પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે વરાછા બેઠક પરથી કુમાર કાનાણીને ભાજપે ફરી એકવાર રિપીટ કર્યા છે. છેલ્લી 2 ટર્મથી કુમાર કાનાણીએ ભાજપની વરાછા બેઠકના ધારાસભ્યનું પદ સંભાળ્યું છે. તેવામાં આજે ઉમેદવારી પત્ર રજૂ કરવા જતી વેળા મોટી સંખ્યામાં ઉપસ્થિત તેઓના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ, સુરતની વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા પણ ચૂંટણીના મેદાને આવ્યા છે. તેઓએ પાટીદાર આંદોલન સમયે સુરતથી મુખ્ય ભૂમિકા નિભાવી હતી, ત્યારે વકાલતના વ્યવસાયી તેમજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો અને આપના કાર્યકરો સાથે રેલી પોતાનું નામાંકન રજૂ કર્યું હતું. આપ ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વરાછા બેઠક પર આ વખતે 3 પાટીદાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જંગ જોવા મળશે, ત્યારે વરાછા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ તોગાડીયાએ પણ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રફુલ તોગાડીયા મનપામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓએ પણ આ ચૂંટણીના જંગમાં જંગી બહુમતી સાથે પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી.

સુરતની કરંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીએ પણ આજે નામાંકન કરવાના અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રવીણ ઘોઘારી કરંજ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સીટીંગ ધારાસભ્ય છે. જોકે, આ બેઠક પરથી તેમની સામે આપ પાર્ટીમાંથી મનોજ સોરઠીયા અને કોંગ્રેસમાંથી ભારતી પટેલ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આ વખતે પણ પ્રવીણ ઘોઘારીએ બહુમતી સાથે જીતવાનો દાવો વ્યક્ત કર્યો હતો.

Next Story