સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે લવ જેહાદના મુદ્દે આ મામલે માથાકૂટ થઈ હતી.
સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજની અંદર સુનિયોજિત રીતે લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાની શંકા હતી. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થીનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતુ હતુ. જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી, અને એવા યુવકોને ઓળખી કાઢવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેને પગલે મારામારી થઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી લવજેહાદ સમગ્ર દેશમાં અને શહેરમાં પણ વધી રહ્યો છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને આખરે હિન્દુ યુવતીઓએ આપઘાત કરી લેવા સુધીની ફરજ પડે છે. સુરતની ભગવાન મહાવીર કોલેજમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થયા છે અને તેઓ હિન્દુ વિદ્યાર્થીઓનો સંપર્ક વધારે તેમને પ્રેમ જાળમાં ફસાવી રહ્યા હોવાની વિગતો મળી રહી હતી.